the quest is on2
શ્રીમદ ભાગવત ગીતાથી મને જીવનમાં સુખી રહેવાનો માર્ગ દેખાયો. પરંતુ રાગ-દ્વેષ થી મુક્ત કેમ થવું કે સ્થિત-પ્રજ્ઞ કેવી રીતે બની શકાય તેની ચાવી તો વિપાસના સાધના કરવાનો અવસર મળ્યો ત્યારે દેખાઈ. આ શિબિરમાં શરૂઆતમાં હિન્દુ સમાજની માન્યતાઓ થી ખરડાયેલું મન ખૂબ બંડ પોકારતું રહ્યું .. પણ છેવટે એવી સમજ કેળવાવા લાગી કે આપણાં શાસ્ત્રોમાં આદ્યાત્મની theory છે પણ applied ભાગ ગૂમ છે.

બીજી સાધના પદ્ધતિઓની સરખામણીમાં વિપાસના વધુ અસરકારક લાગી. સંચિત કર્મો ને ઓગળવા ના ઉપાય તેમાં છે.

જોકે હજી એ વાત મારે ગળે ઊતરતી નથી કે કોઈએ સ્વસ્થ જીવન જીવવા માટે રોજ કોઈ ખાસ ક્રિયા કરતાં રહેવું પડે..!

મારૂ એવું સ્પષ્ટ માનવું છે કે જો આવી રોજીંદી ક્રિયા આવષ્યક હોત તો ઈશ્વરે તેને શ્વાસોચ્છવાસની ક્રિયા ની જેમ શારીરિક પ્રણાલીનો એક ભાગ બનાવી આપી જ હોત. ઈશ્વરીય રચનામાં કોઈ ઉણપ રહી ગઈ હોય અને મનુશ્યએ તે સુધારવી પડે કે વધારાની ક્રિયા જોડવી પડે તેવું માની લેવું એ ડહાપણ નથી..

થોડા વર્ષો પછી ઈન્ટરનેટ નો યુગ શરુ થઇ ગયો હતો અને મને વિદેશી મહાનુભાવોના પુસ્તકો અને વિડીઓ નો લાભ મળતો થયો. આ વિદ્વાનોમાં Dr. Brian Weiss, Seth (John Roberts), Burt Goldman, Michael Newton, Edgar Cayce, William Buhlman, Florence Scovel Shinn, Jay Lakhani, Deepak Chopra, Gregg Braden, Tom Campbell મુખ્ય રહ્યા. તેમના Near Death Experiences, Past life, Reincarnation and Consciousness જેવા વિષય પરના પુસ્તકો મને ખૂબ ગમ્યા અને આ સમજણ માં મને મારી આદ્યાત્મિક સૂઝનું પ્રતિબીબ સરળતાથી ઝીલતું હોય તેમ લાગ્યું.

જીવન નો મૂળ હેતુ શું છે? અને કર્મનો સિદ્ધાંત અને જીવના ડહાપણના વિકાસ (evolution of psyche) નો સિદ્ધાંત કેવી અદભૂત રીતે કામ કરે છે તે સમજવામાં મને આપણાં શાસ્ત્રો કરતાં આ પશ્ચીમના વિદ્વાનો એ આપેલ સમજૂતી વધુ ગ્રાહય લાગી છે.

કર્મ નો સિદ્ધાંત આપણને ભૂતકાળની ભૂલો માટે સજા કરનારો નિયમ નથી પણ ખોટું કરીએ ત્યારે બીજાને કેવું દૂખ થયું હશે તે અનુભવ આપી આપણામાં સ:હ્રદયતા (empathy) નો ગુણ વિકાસવાનો સિદ્ધાંત છે તે આ વિદેશી વિદ્વાનો બહુ સુંદર રીતે સમજાવે છે.

મૃત્યુ પછી ચેતના નું શું થાય છે તેની છણાવટ આપણાં ગરુડ પુરાણમાં જે રીતે થઈ છે તેના કરતાં આ વિદ્વાનો એ સંશોધન આધારિત પ્રતિપાદિત કરેલ જ્ઞાન અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. .

આપણાં માટે પુનર્જન્મ એક સર્વસામાન્ય સ્વીકૃત ઘટના છે. પરંતુ આપણે માત્ર તેને માની લીધી છે. તેને ચકાસી નથી. જીવન ના ઉદ્દેશ્યને સમજવામાં તે કેવી રીતે ઉપયોગી થાય તે બાબત આપણાં શાસ્ત્રો મૌન છે - મૃત્યુ પછીના જીવન ને નામે આપણને માત્ર ડરાવવામાં આવ્યા છે.

સમજણ ન પડે તેવા કર્મકાંડ અને યોગ-સમાધિની જટિલ ક્રિયાઓ ની સરખામણીએ આ વિદ્વાનોએ ભલામણ કરેલ હિપ્નોસિસ જેવી વૈજ્ઞાનિક ક્રિયાઓ ખૂબ અસરકારક છે.

શ્રીમદ ભાગવત ગીતાથી મને જીવનમાં સુખી રહેવાનો માર્ગ દેખાયો. ઈન્ટરનેટ પર એખાર્ત તોલે, સર શ્રી તેજ પારખીજી અને અમિત ગોસ્વામી ના પ્રવચનો સાંભળવા મને ગમે છે.

મારા લખાણમાં આ મહાપુરુષોના વિચારોની અસર દેખાય તે હું સાવ નમ્રપણે સ્વીકારું છું. ખૂબ ઝીણવટથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો સંસારમાં કશું મૌલિક કે વ્યક્તિનું આગવું સર્જન હોતું જ નથી. એક વૈષ્ણવ ભક્ત કહેશે .." દૂધ લાવ્યો દૂધ નથી ચોખું રણછોડજી! દુધને તો માંખીએ અભડાવ્યું રણછોડજી..!" અને ક્વોન્ટમ ફીઝીક્સ આ બાબત પોતાની રીતે સમજાવવા પ્રયત્ન કરે છે.

સંપૂર્ણ જગત જ્ઞાનમય ચેતનાથી તરબોળ છે અને આપણે સહુ આ ચેતનાના મહાસાગરમાં એકાત્મરૂપે તરતા રહીએ છીએ. આપણે સતત વૈશ્વિક ચેતના સાથે આદાન-પ્રદાન કરતા હોઈએ છીએ તેથી જ ક્યારેક એવું બને છે કે તમે જે આજે વિચારો કે લખોછો હુબહુ તેવુંજ કોઈ મહાપુરુષ ભૂતકાળમાં લખી ગયા હોય, અને તે'ય તમારા જન્મથી ઘણા વરસ પહેલા..!

જોકે મારામાં નાનપણ થી જ અનુયાયી વૃત્તિનો અભાવ હોવાથી હું કોઈ સંપ્રદાય કે ગુરુનો કાયમી શિષ્ય ન બની શકું તે સ્વાભાવિક છે. જેઓ અનુયાયી માનસિકતા માં આરામથી ગોઠવાઈ ગયા હોય તેમને નિરુત્સાહ કરવાનો મારો હેતુ નથી. હું તો માત્ર મારી જીજ્ઞાસાયાત્રા દરમિયાન જે કાઈ ઉમદા મળ્યું, જોયું, જાણ્યું તે સહુ સાથે વહેંચવા પ્રયાસરત થયોછું.

Comments