આપણે કોઈ સમસ્યાનું સુક્ષ્મ અવલોકન કરીએ તો જણાય છે કે સમસ્યા ઉદભવ થવાના ઘણા કારણો હોયછે. કેટલાક દેખાઈ જણાઈ આવે તેવા હોયછે. જ્યારે ઘણા કારણો આપણી ઇન્દ્રિયોની પહોંચ બહારના હોયછે. આપણે એ બાબત સમજી અને સ્વીકારી લેવી જોઈશે કે આપણી ઇન્દ્રિયોની ક્ષમતાથી પર હોય તેવી બાબતો આપણી આસપાસ મોજુદ હોય તોપણ આપણે તેને અનુભવી શકતા નથી.

જેમ આપણે અંધારામાં જોઈ શકતા નથી પણ ચામાચિડિયું જોઈ શકે છે તેમ ન્ જોઈ શકાય તેવા કારણો પણ આપણી મુશ્કેલીઓ માટે જવાબદાર હોઈશકે છે. જોઈ ન્ શકાય તેવા કારણો માં - ગ્રહદોષ, વાસ્તુ દોષ, પિતૃ દોષ, કુળદેવી કે દેવતા દોષ વગેરે ગણાય છે. જે તે સમસ્યાના નિરાકરણ માટે જ્યારે આ બધા જોઈ શકાય તેવા અને જોઈ ન શકાય તેવા પરિબળોમાંથી પ્રમાણમાં વધુ અસર કરનાર કારણ પકડી શકાય ત્યારે સમસ્યાનો ઉકેલ સફળતા પૂર્વક કરી શકાય છે.

આમ સમસ્યાનું નિદાન કરનાર વ્યક્તિને કારણોના જેટલા વધુ આયામોનું જ્ઞાન હોય તેમ ઉપાય સારી રીતે થઈ શકે.

કયા કારણથી આપણી સમસ્યા ઉદભવી છે તે વિષે નું ચોક્કસ નિદાન કરવું કે કયું કારણ સહુથી વધુ જવાબદાર છે તે નક્કી કરવું જરૂર મુશ્કેલ છે. આમ છતાં બીજી રીતે જોઈએ તો નિદાન કરવાની આપણી આવી મર્યાદાઓની ઉણપ ને સરભર કરવા આપણે જે કાઈ ઉપાયની પદ્ધતિઓ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીએ, એટલે કે એક કરતા વધુ ઉપાયો અજમાવીએ તો સંભવ છે કે તેમાંથી એકાદ ઉપાય આપણી સમસ્યા માટે જવાબદાર કારણને દૂર કરનારો નીકળી આવે.

અહીં અમારો ઉદ્દેશ મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરતા માણસોને મદદરૂપ થવાનો છે. કેટલાક માણસો ને જ્યોતિષમાં વધુ ભરોસો હોયછે, કેટલાક ને મંત્ર-ટોટકા માં તો કેટલાકને ધાર્મિક પ્રાર્થના-સ્તોત્રમાં વધુ ભરોસો અને શ્રદ્ધા હોય છે. ગૂઢ વિષયોમાં વ્યક્તિની આસ્થા મહત્વનું પરિબળ છે તેથી અહી સમસ્યા નિવારણ માટેના ઉપાયો વ્યક્તિની આસ્થા મુજબ જુદા જુદા પરિપેક્ષ્ય થી આપવા પ્રયાસ કરેલ છે. આપને અનુકુળ આવે તે રીતે ઉપાય પસંદ કરવો. ઉપાય કરવાનું શરુ કર્યા પછી વાજબી સમય અવધી સુધી ઉપાયની અસર વિષે અવલોકન કરવું અને જો નોંધપાત્ર સુધારો જોવા ના મળે તો બીજો ઉપાય અજમાવવો જોઈએ.