our spiritual heritage

          

દરેક ધર્મના પાયામાં આધ્યાત્મિક સિદ્ધાંતો હોય છે અને તે રીતે જોઈએ તો સનાતન વેદિક ધર્મમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પડેલ હોવું જોઈએ. જેમ ખંડેર નું અવલોકન કરવાથી ઈમારત કેવી ભવ્ય હશે તેનો અંદેશો આવે છે તે જ રીતે વેદિક સંસ્કૃતિ જે કાળમાં પ્રચલિત હશે તે સમયે આધ્યાત્મિક જ્ઞાનની ગંગા ભારતમાં વહેતી હશે તેમાં કોઈ સંશય નથી. પરંતુ ત્યાર બાદ વેદિક સંસ્કૃતિ ઉપર બાહ્ય સંસ્કૃતિના ઘણા પ્રહારો થયા. 

ધર્મને બચાવવા માટે તો ક્યારેક જ્ઞાન ના રહસ્યને પોતાના કૂળ સિવાય અન્યના હાથમાં જતું રોકવાની સંકીર્ણ મનોવૃત્તિ ને કારણે મૂળ ગ્રંથો સાથે ગંભીર છેડછાડ કરાયેલી જોવા મળે છે. 

દરેક ને વિચાર અને પોતાનો મત રજૂ કરવાની સ્વતંત્રતા અને અન્યના વિચારને પ્રસારની મોકળાશ હોવાને કારણે વેદ-સંહિતા પછી ઉપનિષદ અને પછી પુરાણ અને વિદ્વાનો ની ટીકા થતાં થતાં આજે એ પરિસ્થિતી છે કે આપણો ધર્મ સનાતન ધર્મ છે (હિન્દુ ધર્મ નથી) તે પણ આપણે ભૂલી ગયા છીએ. 

વેદિક શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં સૂત્ર-બદ્ધ થયેલ છે. ઋષિમૂનીઓએ પોતાના શિષ્યોની મેધા ને ધ્યાનમાં રાખીને જ્ઞાન પીરસેલું છે. 

જેમ કોઈ વિદ્વાને પોતાના અનુયાયીઓને સાથે રાખીને જે તે વિષય ઉપર વિષદ સમજૂતી આપી હોય અને તે દરમ્યાન સમજવા અને યાદ રાખવા કોઈ તેના અગત્યના મુદ્દા નોંધી રાખે અથવા પ્રવચન આપતી વખત વિષય નો ક્રમ જળવાઈ રહે તે માટે મુદ્દા લખેલ કાગળ પ્રવચકે હાથમાં રાખ્યો હોય તેવું સ્વરૂપ આ સૂત્રો નું છે. 

આ સંસ્કૃતના સૂત્રોને યથાર્થ ભાવથી સમજવાની આપણી ત્રેવડ ન હોય તે સ્વાભાવિક છે. વધારામાં ભારતીય આધ્યાત્મિક જ્ઞાનનો કોઈ વ્યવસ્થિત પાઠયક્રમ નથી. કયું શાસ્ત્ર ક્યારે લખાયું છે તે બાબત ઘણી વિસંગતતાઓ જોવા મળે છે. 

ગુરુ-શિષ્ય પરંપરા માં એક વિચારધારાવાળી શાખાએ પ્રસ્તુત કરેલ દર્શન બાબત અન્ય પ્રણાલી ના આનુયાયીઓ દ્વારા ઉણપો બતાવવાના હેતુથી ટીકા પ્રકાશિત થાય - વળી તેના જવાબમાં મૂળ વિચારધારા કેવી રીતે વધુ સત્ય અને સંપૂર્ણ છે તે બતાવવા નવું વિશ્લેષણ રજૂ કરે. 

આ વાદ-વિવાદમાં રચાયેલ અનેક ભાષ્યો આપણને જોવા મળે છે. હવે જો જિજ્ઞાસુના હાથમાં કોઈ વચ્ચેના ગાળામાં રજૂ થયેલ ગ્રંથ આવી જાય તો મૂળ દર્શન અને તેના સંપૂર્ણ ખામી રહિત વિકસિત થયેલ રૂપથી વંચિત રહી જાય તેમાં શક નથી. 

આ એક વાસ્તવિક્તા છે કે આપણામાના ઘણાખરા જિજ્ઞાસુઓ નો માર્ગ ભૂલ-ભૂલૈયા માંથી પસાર થવા જેવો હોય છે. શાસ્ત્રો ની ટીકાઓમાં જે તે પંથ કે શાખાના વિશીષ્ટ શબ્દો ની યથાર્થ સમજૂતી માટે અનેક ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કરવો જરૂરી બની જાય છે. 

એક સંપન્ન વ્યક્તિ નું અવસાન થાય અને કમનસીબે જો તેણે વ્યવસ્થિત વસિયતનામું બનાવ્યું ન હોય તો કુદરતી રીતે જે વારસ ને તે સંપત્તિ મળે તેમ હોય તેઓ માટે જેવી મુશ્કેલીઓ ઊભી થાય તેનાથી પણ અનેક ઘણી વિકટ મુશ્કેલીઓનો સામનો ભારતના ઋષિ સંતાનોને આદ્યાત્મિક વારસો મેળવવામાં કરવો પડે છે તેવું કહી શકાય.

વેદ સાહિત્ય વિષે ટીકા કરવાનો મારો બિલકુલ ઉદ્દેશ્ય નથી. મારી પોતાની સમજવાની ક્ષમતા ઓછી હોઈ શકે તે બાબત મેં શરૂઆતમાં નિવેદન કરેલું જ છે. વળી વેદમાં જે મંત્ર અને શબ્દો છે તેને યથાર્થ રીતે સમજવા માટે શબ્દોના મૂળ ઉદગમ સુધી જવું પડે છે તથા વેદિક વ્યાકરણ નું જ્ઞાન હોવું એક આવશ્યક પૂર્વ-શરત છે. વળી કેટલાક વિદ્વાનોએ તો વધુ કડક શરત રાખી છે - "વેદાંત સમજવા માટે યોગી હોવું જરૂરી છે..!" આ વિશેષ લાયકાત ના અભાવમાં આપણે ભાષાંતર કરનાર વિદ્વાન ની આવડત ઉપર આધાર રાખવો પડે છે.

મને એવું લાગે છે કે મારા જેવી મર્યાદા બીજા અનેક લોકોને મહેસુસ થઇ હશે જ. તેથી અહી કોઈ શાબ્દિક અર્થઘટન ઉપર વિવાદ કરવાનો હેતુ નથી. હું તો તેમાથી મૂળભૂત સરળ આદ્યાત્મ ને સમજવા પ્રયાસ કરી રહ્યો છું.

અત્રતત્ર વિખરાયેલ જવેરાતની જેમ આપણાં આદ્યાત્મિક રહસ્યો ઈતિહાસમાં દટાયેલાં પડ્યા છે. અનેક ગ્રંથો માં જિજ્ઞાસુની આંખો અંજાઈ જાય તેવા દૈદીપ્યમાન રત્ન કણિકાઓ રૂપી આદ્યાત્મિક સૂત્રો નજરે ચઢે છે પરંતુ આ છૂટા છવાયા રત્નોને એકઠા કરી એક માળામાં પરોવવાનું કામ ઘણું દોહ્યલું છે.

Comments