આદ્યાત્મ જાંણવાની જરૂર શું છે? 

આ પાયાનો પ્રશ્ન છે અને જે કોઈ એમ સમજતા હોય કે તેઓ આદ્યત્મિક વ્યક્તિ છે તેમણે તો ખાસ આ પ્રશ્નનો ઉત્તર શોધવો જોઈએ.

આ બાબતની સ્પષ્ટતા જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી એવું બનવાની પૂરી શક્યતા છે કે જેમ કેટલાક લોકો 24 કલાક ચાલતી ન્યુઝ ચેનલ જોવાની આદત પડી ગઈ હોય અને પોતાને કાંઇ લાગે વળગે નહીં તેવી બાબતો ના સમાચાર જોઈ જોઈ ને પોતાનું મગજ બગાડતાં હોય છે ને કેટલાક બીજું બધુ છોડીને શેર-બજાર ના ઉતાર ચડાવની આંટી-ઘૂંટી માં ફસાયેલા રહે છે તેવી જ રીતે એક આદત પડી ગઈ હોય તેમ પોતાનો સમય અને શક્તિ આદ્યત્મિક બાબતોમાં સમજ્યા વિના વાપર્યા કરે..આપણી ચેતનામાં હર ક્ષણ ઉપર ચિત્રમાં બતાવેલ છે તેમ જુદા જુદા વિષયોના વિચારરૂપ તરંગોની લહેરો ઉઠે છે. અને જે લહેરો આપણી જાગરૂકતા (awareness) ની સૌથી ઉપરના સ્તર ઉપર ફેલાયેલ હોય તેવી વાસ્તવિકતા આપણી ચેતના અનુભવે છે. આ તરંગો જુદા જુદા સમય અને જીવન આયામો વિષેની લાગણીઓના બનેલા હોય છે.

જે તે સમયે વર્તમાન બાહ્ય સૃષ્ટી બાબત ઇન્દ્રિયો દ્વારા ઝીલાયેલ માહિતી
પહેલા અનુભવ કરેલ બાબતોની સ્મૃતિ
સ્મૃતિ ઉપર થતું પીંજણ
ભવિષ્ય વિષે સંભવિત કલ્પનાઓ
દરેક વ્યક્તિ એવો પ્રયાસ કરે છે કે એવા તરંગોની લહેરો ઉપરની સપાટીએ સક્રિય રહે જે તેની ઈચ્છિત બાબતો પર કામ કરવામાં સહભાગી બને. પણ વાસ્તવમાં એવું જોવા મળે છે કે આ લહેરોને પ્રભાવિત કરવાની ક્ષમતા વ્યક્તિગત રીતે ભિન્ન હોય છે. આ લહેરો પેદા થવાના કારણો પણ જુદા જુદા હોય છે - કેટલાક જોઈ જાણી શકાય તેવા હોય છે તો કેટલાક આપણી જાણવાની ક્ષમતાની બહારના હોય છે.

થાય છે એવું કે જે કોઈ વ્યક્તિ કે સંસ્થા આપણા સંસર્ગ માં આવે તે આપણી જાણમાં કે આપણી જાણ બહાર એવી કોશિશ કરતા હોય છે કે આપણી ચેતના ઉપર તેઓની તરફેણમાં હોય તેવા તરંગો સક્રિય થાય.