એક પ્રમાણિક રહી પુરુષાર્થ કરે તો'ય દુખી હોય અને બીજો ભ્રષ્ટાચારમાં સતત લિપ્ત રહેતો હોય તોય સમૃદ્ધિમાં આળોટતો હોય - એવું કેમ બને છે?

જન્મ મરણનું કારણ સમજવા માટે કર્મનો સિદ્ધાંત જાણવો કેમ જરૂરી છે?

એક પ્રમાણિક રહી પુરુષાર્થ કરે તોય દુખી હોય અને બીજો ભ્રષ્ટાચારમાં સતત લિપ્ત રહેતો હોય તોય સમૃદ્ધિમાં આળોટતો હોય - એવું કેમ બને છે? આવી વિસંવાદિતા જોઈ આપણને ઘણી વાર એમ લાગે કે અહીં બધું સાવ અંધેર લાગે છે. પણ આ બધું કેમ ચાલ્યા કરે છે તે સમજવું હોય તો આપણે કર્મનો સિદ્ધાંત સમજવો પડશે. આપણા જગતની ખાસ મૂળભૂત ખાસિયતોમાંની આ એક ખાસિયત છે અને જીવન ના મૂળ લક્ષ્ય ને સારી રીતે સિદ્ધ કરવા માટે આપણે આ નિયમ બરાબર સમજવો જ રહ્યો.

આપણા સમાજ જીવન ના લગભગ તમામ પાસા ઉપર સનાતન ધર્મનો ઘેરો પ્રભાવ છે. પુન:જીવન અને કર્મનો સિદ્ધાંત જેવા સનાતન ધર્મ ના પાયાના સિદ્ધાંતોની સમજ કેળવવાથી ભારતીય સંસ્કૃતિ ની આધ્યાત્મિકતા સમજવામાં સરળતા રહેશે.

ખૂબ સરળ રીતે સમજવું હોય તો કર્મનો સિદ્ધાંત એટ્લે જેવું વાવશો તેવું લણશો. જેમને કર્મનો સિદ્ધાંત વિગતે સમજવો હોય તો તેમણે  શ્રી હિરાભાઈ ઠક્કર રચિત કર્મનો સિદ્ધાંત પુસ્તકનો અભ્યાસ કરવાની નમ્ર ભલામણ છે.

કર્મના સિદ્ધાંત મુજબ કર્મ ચાર પ્રકારના ગણાય છે.  (૧) ક્રિયામાણ કર્મ (૨) સંચિત કર્મ                     (૩) પ્રારબ્ધ કર્મ    (૪) આગમ કર્મ

પ્રત્યેક ક્રિયા, ચાહે માનસિક સ્તર ઉપર હોય કે પછી ભૌતિક સ્તર ઉપર, જ્યારે કરવામાં આવે ત્યારે તેની પાછળ રહેલ ઈરાદા, હેતુ કે લાગણી પ્રમાણે પ્રતીભાવ પેદા કરેછે. આ પ્રતિભાવ ને ક્રિયાનું પરિણામ કે ફળ કહેવામાં આવેછે.

જે કર્મ થયા પછી તુરંત કે બહુ જલ્દી તેનું ફળ તેના કર્તાને પ્રદાન કરે તેવા કર્મને ક્રિયામાણ કર્મ કહે છે. અહીં કર્મ થાય અને તેનું ફળ પણ પ્રમાણમા ટૂંકા સમયમાં મળી જાય છે અને કશું શેષ રહેતું નથી. જીવન ના રોજીંદા નાનામોટાં વ્યવહારો આ પ્રકારના કર્મ હોય છે.

ઘણા કર્મ એવા હોયછે કે તેના ફળ ઘણા સમય પછી મળે છે. કર્મ કર્યા પછી તેનું ફળ મલે તે સમય દરમિયાનનો સમય ગાળો ઘણીવાર કર્તાની જીંદગી કરતા પણ મોટો હોય છે. આવા કર્મોના ફળ ભવિષ્યની જિંદગીમાં એટલેકે બીજા જન્મમાં મળે તેવું પણ બને. આવા જે કર્મોના ફળ બાકી હોય તે જમા રહે અને તેના સંચય કે જમાવડા ને સંચિત કર્મ કહેવાય છે.

આવા સંચિત કર્મમાંથી જે કર્મ પાકી ને જેતે જીવનમાં ફળરૂપે મળવા યોગ્ય થઇ ગયા હોય તે કર્મફળ ને પ્રારબ્ધ કહેવાય છે. ચાલો આપણે એક ઉદાહરણની મદદથી આ સમજીએ :

ઉનાળામાં જ્યારે કેરી ની મોસમ આવે છે ત્યારે આપણે કાચી કેરી લઈ આવીએ છીએ અને પછી તેને ઘાસ ભરેલ કરંડિયામાં પાકવા નાંખીએ છીએ. પછી આપણે શું કરીએ છીએ ..? રોજ સવારે ઉઠી આ કરંડિયામાં મુકેલ કેરી ચેક કરતાં રહીએ છીએ.. જે પાકી ને ખાવા લાયક થઈ ગઈ હોય તે જે તે દિવસે વાપરવા જુદી કાઢીએ છીએ. આ પાકી ને તૈયાર થઈ ગયેલી કેરી એટ્લે પ્રારબ્ધ...

karma2