આપણે રોજ બરોજનાં જીવનમાં એ વાત સાવ ભૂલી જઈએ છીએ કે આપણે જેને વાસ્તવિકતા (Reality) તરીકે જાણીએ છીએ તે સઘળું આપણી ઇન્દ્રિયોની સામાન્ય ગ્રહણ ક્ષમતા અને મગજની આ માહિતીનું વિષ્લેષણ કરવાની ક્ષમતા અનુસાર વ્યક્ત થયું હોય છે. જયારે હકીકત એ છે કે આપણી આસપાસ મોજુદ એવી ઘણી બાબતો છે જે આપણી ઇન્દ્રીઓની ક્ષમતા બહાર હોવાથી આપણને તે બાબત જ્ઞાન થતું નથી અને કોઈ વાર ઇન્દ્રિયોને ખબર ન પડે તેવી બાબતોનો સામનો કરવાનો થાય ત્યારે આપણે તેને ભ્રમણા (hallucination) કે વહેમ કહીને સંતોષ માની દુર્લક્ષ્ય સેવીએ છીએ. જે કાંઇ આપણી ઇન્દ્રિયો દ્વારા પારખીએ ત્યારે વ્યક્ત થાય અને જે કાંઇ આપની ઇન્દ્રિયો દ્વારા પારખી શકાય નહીં તેને અવ્યક્ત કહી શકાય.

આવી ઇન્દ્રિયાતીત, અવ્યક્ત બાબતો વિષે સમજવું જરૂરી છે કારણ આપણી પરિસ્થિતી ઉપર તેની અસરને આપણે અવગણીએ તો વાસ્તવિક્તા (Reality) ને સમજવાનું અધૂરું રહી જાય તેમ બને. આવા અવ્યક્ત પરિબળો કયા છે તે સમજવા પહેલા આ બાબતો કેમ અવ્યક્ત રહી જાય છે તે સમજવું પડે. થોડા ઉદાહરણ થી જોઈએ કે આપણી ગ્યાનેન્દ્રીઓની મર્યાદાઓ કેવી છે અને તેમની પહોંચથી પરે પણ ચીજોનું અસ્તિત્વ હોય છે.

જેમકે તમારી પાસે MW Band નો રેડીઓ હોય તો તેમાં FM band પર પસારિત થતા કાર્યક્રમ ઝીલતા નથી પણ એનો અર્થ એમ નથી કે વાતાવરણમાં FM રેડીઓ સ્ટેશન પરથી પ્રસારિત થઇ રહેલ કાર્યક્રમ ના રેડીઓ સિગ્નલ નથી.

એટલે કે આપણી આસપાસ અનેક જાતના સિગ્નલ્સ કે વાઈબ્રેશન હયાત હોવા છતાં આપણે માત્ર એવા સિગ્નલ્સ જ પારખી શકીએ છીએ જેના સેન્સર - એટલે કે ઇન્દ્રિય સાધન આપણી પાસે છે.

આપણે જાણીએ છીએ કે આપણી પાસે Ultrasonic તરંગો પારખવાનું ઇન્દ્રિય સાધન નથી તેથી આપણે અંધારામાં રહેલ પાતળો તાર જોઈ શકતા નથી..જ્યારે ચામાચીડિયું પોતાની ખાસ ક્ષમતા થી Ultrasonic અવાજ કાઢે છે અને તેના તરંગો તાર સાથે અથડાઈને પરત આવતા હોય તે પારખી કેટલે દૂર તાર છે તે જાણી શકે છે.

શાર્ક માછલી ને મનુષ્યની સરખામણીમાં એક વધારે ઇન્દ્રિય છે -તેની પાસે Electrorecptors (ampullae of Lorenzini) છે જે ની મદદથી તે અંધારમાં અને બહુ ડહોળું પાણી હોય તો તેમાં પણ ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં કોઈ ફેરફાર થાય તો પારખી શકે છે.

હાથી infrasonic અવાજ કરી શકે છે જેના તરંગો મનુષ્યની શ્રવણ શક્તિ ની મર્યાદામાં આવતા નથી. તેના પગના તળિયાની ગાદીમાં ધરતીના પેટાળમાથી આવતા Seismic Vibrations પરખવાની ક્ષમતા હોય છે.

તો આપણે એ માનવું પડશે કે Ultrasonic જેવા હયાતીના અનેક બીજા પરિમાણો હોઈ શકે જે આપણી પાસે તે પારખવાની ઇન્દ્રિય ન હોવાના કારણે આપણે જાણી શકતા નથી.

આપણી બધી ઇન્દ્રિયની પારખવાની શક્તિ એક ખાસ અવધિમાં આવે તેવા તરંગો સુધી માર્યાદિત હોય છે. જેમ કે :

દ્રષ્ટિ -
માનવ આંખ સૂર્ય પ્રકાશની એક ખાસ અવધિમાં આવતા રંગના કિરણોને જ પારખી શકે છે. જેમાં જાંબલી 380 nm થી લઇને લાલ રંગ ના કિરણો 750 nm નો સમાવેશ થાય છે.

આપણે અલ્ટ્રા વાયોલેટ, ઈન્ફ્રારેડ, એક્સ-રે, માઈક્રો વેવ, ગામા વેવ વગેરે જોઈ શકતા નથી.

શ્રવણ -
20 Hz થી નીચેના અને 20000 Hz થી ઉપરના ધ્વનિ તરંગો આપણે પારખી શકતા નથી.