intuition


હું વ્યવસાયી જ્યોતિષી ન હોવાને કારણે શરૂઆતમાં જ્યોતિષ બાબતે મારા નીકટના સમ્બધીઓ, મિત્રો વગેરે સલાહ લેવા અવાર-નવાર આવતા. તે સમયમાં કુંડળી બનાવવા માટે આજે છે તેવા કોમ્પ્યુટર પ્રોગ્રામ હતા નહિ. પોતાની જાતે સ્પષ્ટ ગ્રહ અને દશા સાથે કુંડળી બનાવવા માં ખાસ્સો સમય લાગી જતો. આથી મોટે ભાગે જે તે માણસ જે કુંડળી લઇ ને આવેલ હોય તેના આધારે જ ફળકથન કરવાનું રહેતું. ઘણી વાર એવું બનતું કે એકજ વ્યક્તિ માટે એક વાર કરેલ ફળકથન સાચું પડતું જ્યારે કોઈક વાર ખોટું પડતું.

ત્યાર બાદ કોમ્પ્યુટર હાથવગા થયા અને સંશય હોય તેવા કિસ્સામાં કુંડળી કોમ્પ્યુટર ની મદદથી કુંડલી નવેસરથી બનાવી ચકાસણી કરવાનું આસાન થયું.
ઘણી વાર જૂની હાથે બનાવેલ કુંડળી ખોટી હતી તેવું માલુમ પડ્યું. ત્યારે એવો પ્રશ્ન ઉભો થયો કે જો જૂની કુંડળી ખોટી હતી તો પછી ભૂતકાળ માં એ જ ખોટી કુંડળીને આધારે કરેલ ફળકથન સાચું કેવી રીતે પડ્યું? પ્રશ્નો નો ઉકેલ શોધતો શોધતો હું ગૂઢ અને અંતર-દ્રષ્ટિ જેવી બાબતોમાં રસ લેતો થયો.

જ્યોતિષ માર્ગદર્શનની ઘણી એવી ઘટનાઓ મેં અનુભવી કે જ્યારે કુંડળી માં કોઈ એવા ગ્રહ-યોગો ન હોય છતાં અમુક બાબતો મનમાં ઉભરી આવતી. કેટલીક વાર એવું પણ બનતું કે અમુક બાબતો મનમાંથી દ્રઢપણે વારંવાર ઉપસી આવે. બીજી બાજુ તાર્કિક મન તે માણસને ઓળખતું હોવાથી એવી વિરોધી બાબતે ફળકથન કરતા મને રોકતું. વખત જતા આ રોકેલ ફળકથન સાચું પડે તેવી ઘટના ઓ બની હોવાની જાણકારી મળી. આ પરિસ્થિતિમાં એક રોમાંચ સાથે આશ્ચર્ય પણ હતું. આવું કેવી રીતે બને છે તે બાબત હું સ્પષ્ટ રીતે સમજી શક્યો નહિ પરંતુ વારંવાર આવું બનતું ગયું અને તેમાંથી અંતર-મનની વાતોને માનવા માટે નો વિશ્વાસ પેદા થતો ગયો.

વધુ ગંભીરતા થી સંશોધન કરતા એ બાબત સ્પષ્ટ થયું કે હકીકત માં કુંડળી ને આધારે ફળકથન કરતા સમયે કુંડળી તો ખાલી હાથમાં એક સાધન રૂપે રહી જતી હતી અને ફળકથન તો અંદરથી અંતરમન માંથી ઉભરી આવતું હતું...! આ એક અનોખી વાત હતી. અને મને પોતાને આ બાબત ઉપર વિશ્વાસ પડતા ઘણો સમય લાગ્યો હતો. જો તમે જ્યોતિષ જાણતા હો તો આ બાબત તમારી જાતે નિષ્પક્ષ રીતે ચકાસી જોજો. એક વાર આ બાબત તમને પોતાને ખાતરી થઇ જશે પછી તેનો ઘણો લાભ મેળવી શકશો. જ્યોતિષ માં ખૂબ ગણતરી કર્યા પછી જે સંભવિત પર્યાયો મળે છે તેના કરતા ખૂબ ઓછી મહેનતે વધુ સટીક જવાબો આ રીતે મળી શકે છે. શરત માત્ર એટલી જ હોય છે કે તમારે કોઈ પણ રીતે અંગત સ્વાર્થ ભેળવ્યા વગર કામ કરવું પડશે .

અંતરમન માંથી આ પ્રેરણા કેવીરીતે પેદા થાય છે તે સમજવા મેં ઘણી શોધ આદરી. ઘણા પુસ્તકો વાંચ્યા. આ દરમિયાન મેં થિયોસોફીની 'અદ્રષ્ટ સહાયકો' (Invisible Helpers)નામની પુસ્તિકા વાંચી. તેમાં ટેલીપથી શક્તિ કેળવવા માટે માર્ગદર્શક સુચનો આપલે છે. વ્યક્તિ માં નિસ્વાર્થ વૃત્તિ, અન્યને મદદ કરવાની અદમ્ય ઈચ્છા, હૃદય અને મનની નિખાલસતા, ઈશ્વરીય સત્તા માં સંપૂર્ણ વિશ્વાસ, નીરાભીમાની હોવા જેવા ગુણ હોવાની આવશ્યકતા બતાવેલ છે. મને એ બાબત નવાઈ થઇ કે મારામાં આ ગુણ જીવનના અનુભવોમાંથી આપમેળે જ પેદા થયા હતા. કુદરતી રીતે જ હું લોકોને મદદ કરવાના ક્ષેત્રમાં કાર્યશીલ થયો હતો.
એક સંભાવના એવી પણ હતી કે કોઈ વિષયમાં આપણે ખૂબ લાંબો સમય ઘણી ઊંડાઈથી ઓતપ્રોત થઇ જઈએ ત્યારે આ બધા મનોમન્થન માંથી તત્વ રૂપે અમુક બાબતો મનની ગહેરાઈ માં પહોંચી જાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે અંતર-સ્ફ્રુણા રૂપે પ્રગટ થાય છે. અંદરથી આવેલ આવા સુચનો ને તાર્કિક રીતે મૂલવી કે સાબિત કરી શકાતી નથી. કેટલાક લોકો આ પ્રક્રિયાને અચેતન મન સાથે સાંકળે છે.

હું અંતર-દ્રષ્ટિ નો વિકાસ થાય તેવી કોઈ પદ્ધતિ કે વિધિ શીખ્યો નથી અને છતાં અજાણતા જ એવું કૈક હું જરૂર કરતો હતો જેનાથી મન કે ચેતનાની એવી અવસ્થા સર્જાતી હતી જેથી અંતર:સ્ફ્રુણા ઉપસી આવતી હતી. જીજ્ઞાસા ખાતર મેં મારું પોતાનું અવલોકન કર્યું અને આવા પ્રસંગોમાં હું શું કરું છું તે તારવવા પ્રયાસ કર્યો.


પહેલા તો હું મોટે ભાગે સ્પષ્ટ જ કહી દઉં છું કે શુલ્લક બાબતો માટે હું જ્યોતિષ કે અંતર-દ્રષ્ટિ નો ઉપયોગ કરતો નથી . જ્યારે વ્યક્તિની સમસ્યાનો ઉપાય સામાન્ય બુદ્ધિ થી દૂર થઇ શકે તેમ ન હોય, શક્ય હોય તેવા બધા વ્યાજબી પ્રયાસ કર્યા પછી પણ તકલીફ દૂર થઈ ન હોય ત્યારે જ હું મદદ કરવા પ્રયાસ કરું છું.

માર્ગદર્શન માટે આવનાર વ્યક્તિને હું ત્રણથી ચાર વાર એક કે બીજા બહાને ના પાડી ને ધક્કા ખવરાવું છું..! આમ છતાં વ્યક્તિ ફરી આવે તો સમજી જાઉં છું કે તેને ખરે ખર મદદની જરૂર છે. આ થોડું ખરાબ લાગે તેવું છે - પરંતુ નિ:શુલ્ક સેવા હોવાથી થતો ધસારો રોકવા માટે અને વ્યક્તિની ગંભીરતા ચકાસવા આવું કરવું પડે છે.

અંતર-દ્રષ્ટિ નો ઉપયોગ કરવાના પ્રસંગે હું જે તે વ્યક્તિ ને શાંત અને સહજ થઇ આરામ થી રિલેક્સ થઇ ને બેસવા જણાવું છું. મનને ખુલ્લું મૂકી દેવા સમજાવું છું. તે ને ઈશ્વરના જે સ્વરૂપ માં શ્રદ્ધા હોય તેનું સ્મરણ કરવા કહું છું. આ ૫-૧૦ મીનીટમાં તેના મનની અવસ્થા શાંત થતી જાય છે અને તેના માનસિક તરંગો જુદી ફ્રીકવન્સીના બનતા જાય છે. હું મારા મનમાં તે વ્યક્તિ ને મદદ કરવા અનુકંપાના ભાવો ઉપર ધ્યાન કરું છું અને મારા અંતરને - ઈશ્વર ને કે પરમ સત્તા ને પ્રાર્થના કરુછું કે આ વ્યક્તિની તકલીફ દૂર કરવા બાબતે જો મારી મધ્યસ્થી એક નિમિત્ત રૂપે મુકરર હોય તો તેને ઉપાય બતાવવામાં મને માં મદદ કરો. આ સમય દરમ્યાન જાગ્રત મન સાવ અચેતન અવસ્થામાં હોય છે. તેની હાજરી માત્ર જે કાઈ મુદ્દા ઉપસી આવે તેને યાદ કરવા પુરતી જ હોય છે. જે કોઈ ઉપાયો અંદરથી આવે કે સુજે તેને તર્ક લગાવ્યા વિના સ્વીકારું છું. જ્યારે સામાન્ય ચેતન અવસ્થામાં મન પાછું ફરે ત્યારે અંતર મન દ્વારા અપાયેલ મુદ્દાને વ્યક્તિની સમસ્યા સાથે તાલ મેળવીને ઉપાય સુચવું છું. સર્વ-વ્યાપક ચેતન શક્તિનો આભાર માનું છું.

સમગ્ર વિધિમાં મારી અંગત હોશિયારી ને કોઈ સ્થાન હોતું નથી. જે કાઈ આવ્યું તે જે તે વ્યક્તિની નિયતી મુજબ છે અને હું ફક્ત એક નિમિત્ત માત્ર છું તેવી મૃદુતા સતત જાળવી રાખવી પડે છે. ઉપાય માટે ના બદલા માં કોઈ પણ સ્વરૂપે ઉપહાર કે 'આભાર' સ્વીકારતો નથી. ક્યાય પણ 'મેં કર્યું' જેવો ગર્વ ઉભો થાય નહિ તેની કાળજી રાખવી અત્યંત જરૂરી છે. સ્વાર્થ કોઈ પણ રીતે આમાં પ્રવેશે તો અંતર-દ્રષ્ટિની પવિત્રતા અભડાય તેવું થાય તે નક્કી છે.
Comments