અધ્યાય ૫

કર્મ-સંન્યાસ-યોગ
જ્ઞાનદશા

અર્જુન બોલ્યા:

કહો સંન્યાસ કર્મોનો, યોગનોયે કહો તમે;
બેમાંથી એક જે રૂડો, તે જ નિશ્ચયથી કહો.
૧/૫

શ્રીભગવાન બોલ્યા :

કર્મસંન્યસ ને યોગ બંનેય શ્રેયકારક;
બેમાંહી કર્મનો યોગ કર્મસંન્યાસથી ચડે.
૨/૫

જાણો તે નિત્ય-સંન્યાસી રાગ-દ્વેષ ન જે વિષે;
દ્વંદ્વ મુક્ત થયેલો તે છૂટે બંધનથી સુખે.
૩/૫

સાંખ્ય ને યોગ છે ભિન્ન, બાળ ક્હે, પંડિતો નહીં;
બેમાં એકેયને પૂરો પામતાં ફળ મેળવે.
૪/૫

જે સ્થાન મેળવે સાંખ્યો, યોગીયે તે જ પામતા
એક જ સાંખ્ય ને યોગ દેખે જે, તે જ દેખતા. ૫/૫

પણ દુ:ખે જ સંન્યાસ પામવો યોગના વિના;
મુનિ જે યોગમાં યુક્ત, તે શીઘ્ર તે બ્રહ્મ મેળવે. ૬/૫

યોગયુક્ત, વિશુદ્ધાત્મા, જીતેલો મન—ઇન્દ્રિયો,
સર્વ ભૂતતણો આત્મા, તે ન લેપાય કર્મથી. ૭/૫

જુએ, સુણે, અડે, સૂંઘે, જમે, ઊંઘે, વદે, ફરે,
શ્વાસ લે, પકડે, છોડે, ખોલે-મીંચેય આંખને. ૮/૫

ઇન્દ્રિયો નિજ કર્મોમાં વર્તે છે એમ જાણતો,
માને તત્વજ્ઞ યોગી એમ 'હું કશું કરતો નથી'. ૯/5

બ્રહ્માર્પણ કરી કર્મ છોડી આસક્તિન કરે,
પાપથી તે ન લેપાય, પાણીથી પદ્મપાન-શો. ૧૦/૫

શરીરે, મન-બુદ્ધિએ, માત્ર વા ઇન્દ્રિયે કરે,
આત્માની શુદ્ધિને કાજે યોગી નિ:સંગ કર્મને. ૧૧/૫

યોગી કર્મફળો છોડી નિષ્ઠાની શાંતિ મેળવે;
અયોગી ફળનો લોભીબંધાતો વાસના વડે. ૧૨/૫

સૌ કર્મો મનથી છોડી, સુખે આત્મવશી રહે
નવદ્વારપુરે દેહી; ના કરે કારવે કંઇ. ૧૩/૫

ન કર્તાપણું, ના કર્મો સર્જતો લોકનાં પ્રભુ;
ન કર્મફળયોગેય, સ્વભાવ જ પ્રવર્તતો. ૧૪/૫
લે નહીં કોઇનું પાપ, ન તો પુણ્યેય તે વિભુ;
અજ્ઞાને જ્ઞાન ઢંકાયું, તેણે સૌ મોહમાં પડે. ૧૫/૫

જેમનું આત્મ-અજ્ઞાન જ્ઞાનથી નાશ પામિયું,
તેમનું સૂર્ય-શું જ્ઞાન પ્રકાશે પરમાત્મને.૧૬/૫

જેની આત્મા વિષે બુદ્ધિ, નિષ્ઠા, તત્પરતા, મન,
ધોવાયાં જ્ઞાનથી પાપો, તેને જન્મ નહીં ફરી. ૧૭/૫

વિદ્વાન વિનયી વિપ્રે, તેમ ચાંડાળને વિષે,
ગાયે, ગજેય, શ્વાનેયે જ્ઞાનીને સમદૃષ્ટિછે. ૧૮/૫

અહીં જ ભવ તે જીત્યા, સ્થિર જે સમબુદ્ધિમાં;
નિર્દોષ સમ છે બ્રહ્મ, તેથી તે બ્રહ્મમાં ઠર્યા. ૧૯/૫

ન રાચે તે મળ્યે પ્રિય, નહીં મૂંઝાય અપ્રિયે;
અમૂઢ, સ્થિર બુદ્ધિ તે બ્રહ્મજ્ઞ, બ્રહ્મમાં ઠર્યો. ૨૦/૫

વિષયોમાં અનાસક્ત જાણે જે આત્મમાં સુખ;
તે બ્રહ્મયોગમાં યુક્ત અક્ષય સુખ ભોગવે.
૨૧/૫

કાં જે ઇન્દ્રિયના ભોગો દુ:ખકારણ માત્ર તે,
ઊપજે ને વળી નાશે, જ્ઞાની રાચે ન તે વિષે. ૨૨/૫

કામ ને ક્રોધના વેગો છૂટ્યા પહેલાં જ દેહથી,
અહીં જ જે સહી જાણે, તે યોગી, તે સુખી નર. ૨૩/૫

પ્રકાશ, સુખ ને શાંતિ જેને અંતરમાં મળ્યાં,
થયેલો બ્રહ્મ તે યોગી બ્રહ્મનિર્વાણ પામતો. ૨૪/૫

પામતા બ્રહ્મનિર્વાણ ઋષિઓ ક્ષીણપાપ જે,
અસંશયી, જિતાત્મા ને સર્વભૂતહિતે મચ્યા. ૨૫/૫

કામ ને ક્રોધથી મુક્ત, યતિ જે, આત્મનિગ્રહી,
રહે તે આત્મજ્ઞાનીને બ્રહ્મનિર્વાણ પાસમાં. ૨૬/૫

વિષયોને કર્યા દૂર, દૃશ્ટિ ભ્રૂ-મધ્યમાં ધરી,
નાકથી આવતાજાતા પ્રાણાપાન કર્યા સમ, ૨૭/૫

વશેંદ્રિય મનોબુદ્ધિ મુનિ મોક્ષપરાયણ,
ટાળ્યાં ઇચ્છા-ભય-ક્રોધ, તે મુનિ મુક્ત તો સદા. ૨૮/૫

મ’ને સૌ ભૂતનો મિત્ર, સર્વ-લોક- મહેશ્વર,
યજ્ઞ ને તપનો ભોક્તા જાણી તે શાંતિ પામતો. ૨૯/૫


શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘કર્મ-સંન્યાસ- યોગ’ નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ.