અધ્યાય – અઢાર મો 

ગુણ પરિણામ અને ઉપસંહાર

અર્જુન બોલ્યા :-

શું છે સંન્યાસનું તત્વ ત્યાગનું તત્વ શું? વળી ?
બેઉને જાણવા ઇચ્છું , જુદાં પાડી કહો મને . ૧/૧૮

શ્રી ભગવાન બોલ્યા –

છોડે સકામ કર્મોને જ્ઞાની સંન્યાસ તે લહે ;
છોડે સર્વેય કર્મોના ફળને, ત્યાગ તે કહ્યો. ૨/૧૮

‘દોષરૂપ બધાં કર્મો-ત્યજો તે’ મુનિ કો કહે;
‘યજ્ઞ-દાન-તપો ક્યારે ન ત્યજો’ અન્ય તો કહે. ૩/૧૮

ત્યાગ સંબંધમાં તેથી મારા નિશ્ચયને સુણ:
ત્રણ પ્રકારના ભેદો ત્યાગના વર્ણવાય છે. ૪/૧૮
યજ્ઞ-દાન-તપો કેરાં કર્મો ન ત્યજવાં ઘટે;
અવશ્ય કરવાં, તે તો કરે પાવન સુજ્ઞને. ૫/૧૮

કરવાં તેય કર્મોને આસક્તિ-ફળ ત્યજીને;
આ ઉત્તમ અભિપ્રાય મારો નિશ્ચિત આ વિષે. ૬/૧૮

નીમેલાં કર્મનો ક્યારે નહીં સંન્યાસ તો ઘટે;
મોહથી જો કરે ત્યાગ, તે ત્યાગ તામસી કહ્યો. ૭/૧૮

કર્મે ચ્હે દૂ:ખ માટે જ કાયકલેશ ભયે ત્યજે,
તે કરે રાજસા ત્યાગ, ન પામે ફળ ત્યાગનું. ૮/૧૮

રહીને નિયમે કર્મ કર્તવ્ય સમજી કરે,
અનાસકત ફાળત્યાગી જાણ તે ત્યાગ સાત્વિક. ૯/૧૮

ક્ષેમ કર્મે નહીં રાગ, અક્ષેમે દ્વેષ તો નહીં;
તે ત્યાગી સત્વમાં યુક્ત, જ્ઞાનવાન, અસંશયી ૧૦/૧૮

શક્ય ના દેહધારીને સમૂળો ત્યાગ કર્મનો;
કર્મના ફળનો ત્યાગી, તે જ ત્યાગી ગણાય છે. ૧૧/૧૮

સારું, માઠું તથા મિશ્ર, ત્રિવિધ કર્મનું ફળ;
અત્યાગી પામતા તેને, સંન્યાસીઓ કદી નહીં. ૧૨/૧૮

સર્વ કર્મો તણી સિદ્ધિ થાય જે પાંચ કારણે;
કહ્યાં તે સાંખ્ય સિદ્ધાંતે, તેને તું મુજથી સુણ. ૧૩/૧૮

અધિષ્ઠાન તથા કર્તા, ત્રીજું વિવિધ સાધનો,
ક્રિયા નાના પ્રકારોની, ને ભળે દૈવ પાંચમું. ૧૪/૧૮

કાયા-વાચા-મને જે કર્મને આદરે નર,-
અન્યાયી અથવા ન્યાયી, -તેના આ પાંચ હેતુઓ. ૧૫/૧૮

આવું છતાંય આપે જ કર્તા છે એમ જે જુએ,
સંસ્કારહીન, દુર્બુદ્ધિ, સત્ય તે દેખાતો નથી. ૧૬/૧૮

“હું કરું છું” એમના જેને,જેની લેપાય બુદ્ધિ ના,
સૌ લોકને હણે તોયે, હણે-બંધાય તે નહીં. ૧૭/૧૮

જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા, - કર્મનાં ત્રણ પોષકો,
સાધનો, કર્મ ને કર્તા, - કર્મનાં ત્રણ પોષકો. ૧૮/૧૮

જ્ઞાન, કર્મ અને કર્તા – ગુણોથી ત્રણ જાતનાં,
વર્ણવ્યાં સાંખ્ય સિદ્ધાંતે, સુણ તેને યથાર્થ તું. ૧૯/૧૮

જેથી દેખે બધાં ભૂતે એક અવ્યય ભાવને –
સળંગ ભિન્ન રૂપોમાં – જાણ તે જ્ઞાન સાત્વિક. ૨૦/૧૮

જે જ્ઞાને સર્વ ભૂતોમાં નાના ભાવો જુદા જુદા,
જાણતો ભેદને પાડી,-જાણ તે જ્ઞાન રાજસ. ૨૧/૧૮

આસક્તિ યુક્ત જે કાર્ય, પૂર્ણ-શું એકમાં જુએ;
જેમાં આ તત્વ કે હેતુ,- અલ્પ તે જ્ઞાન તામસી. ૨૨/૧૮

નીમેલું, વણ આસક્તિ, રાગદ્વેષ વિના કર્યું;
ફળની લાલસા છોડી, સાત્વિક કર્મ તે કહ્યું. ૨૩/૧૮

મનમાં કામના સેવી, વા અહંકારથી કર્યું,
ઘણી જંજાળથી જેને, રાજસા કર્મ તે કહ્યું. ૨૪/૧૮

પરિણામ તથા હાનિ, હિંસા સામર્થ્ય ના ગણી,
આદરે મોહથી જેને, તામસા કર્મા તે કહ્યું. ૨૫/૧૮

નિ:સંગી, નિરહંકારી , ધૃતિ-ઉત્સાહથી ભર્યો,
યથાયશે નિર્વિકાર, કર્તા સાત્વિક તે કહ્યો. ૨૬/૧૮

રાગી, ને ફળનો વાંછું, લોભી, અસ્વચ્છ, હિંસક,
હર્ષશોકે છવાયેલો, કર્તા રાજસા તે કહ્યો. ૨૭/૧૮

આયોગી, ક્ષુદ્ર, ગર્વિષ્ઠ, અકર્મી, શઠ, આળસુ,
શોગિયો, દીર્ઘસૂત્રી જે કર્તા તામસ તે કહ્યો. ૨૮/૧૮

બુદ્વિ ને ધ્રુતિના ભેદો, ગુણોથી ત્રણ જાતના,
સંપૂર્ણ વર્ણવું તેને, સુણજે વિગતે જુદા. ૨૯/૧૮

પ્રવૃતિ શું, નિવૃતિ શું, કાર્યાકાર્ય, ભયાભય,
બંધ શું, મોક્ષ શું, જાણે, ગણી તે બુદ્વિ સાત્વિક. ૩૦/૧૮

ધર્માધર્મ તણો ભેદ, તેમ કાર્ય-અકાર્યનો,
અયથાર્થપણે જાણે, ગણી તે બુદ્વિ રાજસી. ૩૧/૧૮

અજ્ઞાને આવરેલી જે ધર્મ માને અધર્મને,
બધું જ અવળું પેખે, ગણી તે બુદ્વિ તામસી. ૩૨/૧૮

માં-ઇદ્રિય-પ્રાણોની ક્રિયાને જે ધરી રહે,
ધ્રુતિ અનન્યયોગે જે, તેને સાત્વિક જાણવી. ૩૩/૧૮

ધર્મે, અર્થે તથા કામે જે વડે ધારણા રહે,
આસક્તિ ને ફલેચ્છાથી, ધ્રુતિ જે રાજસી ગણી. ૩૪/૧૮

જે વડે ભય ને શોક, નિદ્રા, ખેદ તથા મેદ,
જે ન છોડે દુર્બુદ્ધિ, ધ્રુતિ તે તામસી ગણી. ૩૫/૧૮

સુખનાએ ત્રણે ભેદો હવે વર્ણવું, સંભાળ,
અભ્યાસે રાચતો જેમાં દૂ:ખનો નાશ તે કરે. ૩૬/૧૮

ઝેર સમાન આરંભે, અંતે અમૃત-તુલ્ય જે,
પ્રસન્ન ચિત્તને લીધે મળે તે સુખ સાત્વિક. ૩૭/૧૮

અમૃત-તુલ્ય આરંભે, અંતે ઝેર સમાન જે,
વિષયેન્દ્રિય સંયોગે મળે તે સુખ રાજસી. ૩૮/૧૮

આરંભે, અંતમાયે જે નિદ્રા-પ્રમાદ-આળસે,
આત્માને મોહમાં નાંખે, તામસી સુખ તે ગણ્યું. ૩૯/૧૮
નથી કો સત્વ પૃથ્વીમાં, સ્વર્ગે દેવો વિષેય કો,
જે હોય ગુણથી મુક્ત, જે આ પ્રકૃતિના ત્રણ. ૪૦/૧૮

બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શુદ્રોના જે સ્વભાવથી,
થયા ભિન્ન ગુણો, તેણે પાડ્યા છે કર્મ ભેદના. ૪૧/૧૮

શાંતિ, તપ, ક્ષમા, શૌચ, શ્રદ્ધા, નિગ્રહ, આર્જવ,
જ્ઞાન, વિદ્યાન-આ કર્મ બ્રાહ્મણોનું સ્વભાવથી. ૪૨/૧૮

શૌર્ય, તેજ, પ્રજારક્ષા, ભાગવું નહીં યુદ્ધથી,
દક્ષતા, દાન ને ધૈર્ય-ક્ષાત્રકર્મ સ્વભાવથી. ૪૩/૧૮

ખેતી, વેપાર, ગૌરક્ષા-વૈશ્યકર્મ સ્વભાવથી,
સેવાભાવ, ભર્યું કર્મ, -શૂદ્રોનું એ સ્વભાવથી. ૪૪/૧૮

માનવી પોતપોતાનાં કર્મે મગ્ન રહી તરે;
સ્વકર્મ આચરી જેમ મેળવે સિદ્ધિ, તે સુણ. ૪૫/૧૮

જેથી પ્રવર્તતાં ભૂતો, જેણે વિસ્તાર્યું અ બધું,
તેને સ્વકર્મથી પૂજી સીધીને મેળવે નર. ૪૬/૧૮

રૂડો સ્વધર્મ ઊણોયે સૂસેવ્યા પરધર્મથી;
સ્વભાવે જે ઠરે કર્મ, તે કર્યે દોષ ના થતો. ૪૭/૧૮

સહજ કર્મમાં દોષ હોય તોયે ન છોડવું,
સર્વ કર્મે રહે દોષ, ધુમાડો જેમ અગ્નિમાં. ૪૮/૧૮

આસક્ત નહીં જે ક્યાંય જીતાત્મા, નિ:સ્પૃહી સદા
પરમ નિષ્કર્મની સિદ્ધિ તેને સંન્યાસથી મળે. ૪૯/૧૮

પામીને સીધીને યોગી, જે રીતે બ્રહ્મ ને મેળવે,
સુણ સંક્ષેપમાં તેને,-નિષ્ઠા જે જ્ઞાનની પરં. ૫૦/૧૮

પવિત્ર બુદ્ધિને રાખે, નીમે ધ્રુતિથી મન,
શબ્દાદિ વિષયો ત્યાગે, રાગદ્વેષ બધા હણે; ૫૧/૧૮

એકાંતે રહે જમે થોડું, ધ્યાનયોગ સદા કરે,
જીતે કાયા-માનો-વાણી, દ્રઢ વૈરાગ્યને ધારે; ૫૨/૧૮

બળ-દર્પ-અહંકાર-કામ-ક્રોધ ટળી ગયા,
સંગ્રહ-મમતા છોડયા, શાંત તે બ્રહ્મમાં મળે. ૫૩/૧૮

બ્રહ્મનિષ્ઠ, પ્રસન્નાત્મા, શોચા કે કામના નહીં,
સમાન દ્રષ્ટિનો પામે મારી પરમ ભક્તિને. ૫૪/૧૮

ભક્તિએ તત્વથી જાણે, જેવો છું ને હું જેમ છું,
તત્વે આમ મ’ને જાણી, તે મળે મૂજમાં પછી. ૫૫/૧૮

મારો આશ્રિત તે કર્મો સર્વ નિત્ય કરે છતાં,
મારા અનુગ્રહે પામે અખંડ પદ શાશ્વત. ૫૬/૧૮

મ’ને અર્પી બધાં કર્મો મનથી, મત્પરાયણ,
મારામાં ચિત્ત ને રાખ બુદ્ધિયોગ વડે સદા. ૫૭/૧૮

મચ્ચિત્તે તરશે દૂ:ખો સર્વે મારા અનુગ્રહે,
ન સુણીશ અહંકારે, નિશ્ચે પામીશ નાશ તો. ૫૮/૧૮

જે અહંકારનેસેવી માને છે કે ‘લડું નહીં’,
મિથ્યા પ્રયત્ન તે તારો, પ્રકૃતિ પ્રેરશે તને. ૫૯/૧૮

બંધાયેલો સ્વકર્મોથી, નિર્માયાં જે સ્વભાવથી,
મોહથી ઈચ્છતો ના જે, અવશે તે કરીશ તું. ૬૦/૧૮

વસીને સર્વ ભૂતોનાં હ્રદયે પરમેશ્વર,
માયાથી ફેરવે સૌને, જાણે યંત્ર પરે ધર્યા. ૬૧/૧૮

તેને જ શરણે જા તું, સર્વભાવથી, ભારત,
તેના અનુગ્રહે લૈશ શાંતિ ને શાશ્વત પદ. ૬૨/૧૮

આવું આ સારમાં સાર જ્ઞાન મેં તુજને કહ્યું,
તેને પૂર્ણ વિચારીને કરા જેમ ગમે તને. ૬૩/૧૮

વળી, મારું પરમ વેણ, સારમાં સાર, આ સુણ,
મ’ને અત્યંત વા’લો તું, તેથી તારું કહું હિત. ૬૪/૧૮

મન, ભક્તિ મ’ને અર્પ, મ’ને પૂજ, મ’ને નમ,
મ’ને જ પામશે નિશ્ચે, મારું વચન લે, પ્રિય! ૬૫/૧૮

છોડીને સઘળા ધર્મો, મારું શરણું ધર;
હું તને સર્વ પાપોથી છોડાવીશ, નચિંત થા. ૬૬/૧૮

તપ ના, ભક્તિ ના જેમાં, ના સેવા-શ્રવણે રુચિ;
નિંદાતાય મ’ને તેને કે’વું ના જ્ઞાન આ કદી. ૬૭/૧૮

જે આ જ્ઞાન મહા ગૂઢ આપશે મુજ ભક્તને,
પરાભક્તિ કરી મારી મ’ને નિશ્ચય પામશે. ૬૮/૧૮

તેથી અધિક ના કોઈ મારું પ્રિય કરે અહીં,
તેથી અધિક તો કોઈ મારો પ્રિય જાગે નહીં. ૬૯/૧૮

શીખી વિચારશે જે આ ધર્મસંવાદ આપણો,
મારી ઉપાસના તેણે જ્ઞાનયજ્ઞે કરી, ગણું. ૭૦/૧૮

જે શ્રદ્વાવાન નિષ્પાપ માનવી સુણશેય આ,
તેયે મુક્ત થઈ પામે લોકો જે પુણ્યવાનના. ૭૧/૧૮

પાર્થ, તેમ સાંભળ્યું શું આ બધું એકાગ્ર ચિત્તથી?
અજ્ઞાન-મોહનો નાશ શું હવે તુજ કૈં થયો? ૭૨/૧૮

અર્જુન બોલ્યા –

ટળ્યો મોહ, થયું ભાન, તમ અનુગ્રહે, પ્રભો!
થયો છું સ્થિર નિ:શંક, માનીશ તમ શીખને. ૭૩/૧૮

સંજય બોલ્યા –

કૃષ્ણાર્જુન મહાત્માનો આવો સંવાદ અદભુત,
રોમ ઊભાં કરે તેવો, સાંભળ્યો મેં, મહીપતે. ૭૪/૧૮

કૃષ્ણ યોગેશ્વરે સાક્ષાત, સ્વમુખે બોલતાં સ્વયં,
મેં આ યોગ પરંગૂઢ સુણ્યો વ્યાસ-અનુગ્રહે. ૭૫/૧૮

આ કૃષ્ણાર્જુન સંવાદ, મહા અદભૂત, પાવન,
સ્મરી સ્મરી મ’ને તેનો હર્ષ થાય ફરી ફરી. ૭૬/૧૮

સ્મરી સ્મરીય તે રૂપ, હરિનું અતિ અદભુત,
મહા આશ્ચર્ય પામું ને હર્ષ થાય ફરી ફરી. ૭૭/૧૮

જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ, જ્યાં ધનુર્ધર અર્જુન, ત્યાં વસે જય, ઐશ્વર્ય, લક્ષ્મી ને સ્થિર નીતિયે. ૭૮/૧૮

શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘ગુણ પરિણામ' નામનો અઢારમો અધ્યાય સંપૂર્ણ