અધ્યાય ૧૫ મો
પુરુષોત્તમ સ્વરૂપ

શ્રી ભગવાન બોલ્યા :

ઊંચે મૂળ, તળે ડાળો, શ્રુતિઓ પાંદડા કહ્યા,
એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો.
૧/૧૫

ઊંચે-તળે ડાળ પસાર એનો,
ગુણે વધ્યો, ભોગથી પાલવ્યો જે 
નીચે વળી, માનવલોક માહીં ;
મૂળો ગયા, કર્મ વિષે ગૂંથાયા
૨/૧૫

એનું જાગે સત્ય ન્ રૂપ ભાસે,
ન આદિ-અંતે નહિ કોઈ પાયો'
લે તીવ્ર વૈરાગ્ય તણી કુહાડી
અશ્વત્થ આવો દઢ મૂળ તોડ.
૩/૧૫

શોધી પછી એ પદને પ્રયત્ને,
જ્યાં પહોંચનારા ન પડે ફરીથી
તે પામવું આદિ પરાત્મ રૂપ,
પ્રવૃત્તિ જ્યાંથી પ્રસરી અનાદી
૪/૧૫

નિર્માન નીર્મોહ અસંગ વૃત્તિ,
અધ્યાત્મ નિષ્ઠા નિત શાન્તકામ,
છૂટેલ દ્વંદો સુખ-દુઃખરૂપી
અમૂઢ તે અવ્યય ધામ પામે
૫/૧૫

સૂર્ય એને પ્રકાશે ના, ના ચંદ્ર અગ્નિએ નહિ,
જ્યાં પોંચી ન ફરે પાછા, મારું તે ધામ ઉત્તમ.
૬/૧૫

મારો જ અંશ સંસારે, જીવ રૂપ સનાતન;
ખેંચે પ્રકૃતિમાંથી તે મનને પાંચ ઇન્દ્રિયો.
૭/૧૫

જેમ વાયુ ગ્રહે ગંધ, વસ્તુનો નિજ સાથમાં,
તેમ દેહી ગ્રહે આ સૌ ધારતા છોડતા તનું.
૮/૧૫

આંખ, કાન, ત્વચા નાક, જીભ ને છઠુંતો મન,
અધિષ્ઠાતા થઇ સૌનો દેહી વિષય ભોગવે.
૯/૧૫
નીકળે કે રહે દેહે, ભોગવે ગુણ સાથ વા,
મૂઢો ન દેખાતા એને, દેખે જ્ઞાન ચક્ષુના.
૧૦/૧૫

રહેલો હૃદયે એને દેખે યોગી પ્રયત્નવાન;
હૈયા સુના અશુદ્ધ આત્મા ન દેખે યત્નથીય તે.
૧૧/૧૫

વિશ્વ સૌને પ્રકાશતું દીસે જે તેજ સૂર્યમાં;
ચંદ્રે જે અગ્નીમાયે જે, તેજ મારું જાણ તે.
૧૨/૧૫

પેસી પૃથ્વી વિષે ધારું, ભૂતોને મુજ શક્તિથી,
પોષું છું ઔષધી સર્વે, થઇ સોમ રસે ભર્યો.
૧૩/૧૫

હું વૈસ્વાનરરૂપે સૌ પ્રાણીના દેહમાં રહ્યો,
પ્રાણાપાન કરી યુક્ત પચાવું અન્ન ચોવિધ.
૧૪/૧૫

નિવાસ સૌના હૃદયે કરું હું
હું થી સ્મૃતિ જ્ઞાન તથા વિવેક
વેદો બધાનું હું જ એક વૈદ્ય
વેદાન્ત કર્તા હું જ વેદ વેત્તા.
૧૫/૧૫

બે છે આ પુરુષો વિશ્વે ક્ષર-અક્ષર, અર્જુન !
ક્ષર તે સઘળા ભૂતો કહ્યો અક્ષર નિત્ય ને.
૧૬/૧૫

પોષે ત્રિલોકે ને વ્યાપી, જે અવિનાશ ઈશ્વર,
પરમાત્મા કહ્યો તેને, ત્રીજો પુરુષ ઉત્તમ.
૧૭/૧૫

કાં જે હું ક્ષર થી પાર, શ્રેષ્ઠ અક્ષરથીય હું,
તેથી હું લોકને વેદે વરણાયો પુરુષોત્તમ.
૧૮/૧૫

જે અમૂઢ મને આમ જાણતો પુરુષોત્તમ.
તે સર્વ સારનો જ્ઞાની સર્વ ભાવે મને ભજે.
૧૯/૧૫

અત્યંત ગૂઢ આ શાસ્ત્ર, તને નિષ્પાપ, મેં કહ્યું
એ જાણી બુદ્ધિ ને પામી, કૃતાર્થ બનવું ઘટે.
૨૦/૧૫

શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘પુરુષોત્તમ સ્વરૂપ' નામનો પંદરમો અધ્યાય સંપૂર્ણ